પોર્બંદર જિલ્લા ભાજપ પક્ષમાંથી અત્યંત મહત્વના અને મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. પોરબંદર જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને અસંતોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષના 1 કે 2 વર્ષ નહીં પરંતુ 37 વર્ષથી જોડાયેલા અને વફાદાર તથા સક્રિય કાર્યકર્તા કમલેશ થાનકી દ્વારા સંગઠનની કામગીરી સામે ખુલ્લો મોરચો ખોલવામાં આવ્યો છે. તેમણે સીધી જ રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાની નેતાગીરી સમક્ષ લેખિત ફરિયાદ કરીને સંગઠનમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે.

"કાળી ચૌદસ ગઈ પણ હજુ સંગઠનમાં કાળી ચૌદસ વાળા જ બેઠેલા છે" - કમલેશ થાનકી

પોતાની નારાજગી વ્યક્ત કરતા અગ્રણી કમલેશ થાનકીએ અત્યંત આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, "કાળી ચૌદસ ગઈ પણ હજુ પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનમાં કાળી ચૌદસ વાળા જ બેઠેલા છે." આ નિવેદન દ્વારા તેમણે પક્ષના વર્તમાન વહીવટ અને હોદ્દેદારો સામે સીધા પ્રહારો કર્યા છે. કમલેશ થાનકી દ્વારા કેન્દ્ર અને પ્રદેશ ભાજપ સમક્ષ મોકલવામાં આવેલી લેખિત ફરિયાદમાં જિલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે જિલ્લા પ્રમુખની પૃષ્ઠભૂમિ વિવાદસ્પદ છે અને તેમના પરિવાર કે પતિ ભૂતકાળમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે, જેના કારણે પક્ષની છબી ખરડાઈ રહી છે.

વર્તમાન સંગઠન માળખું તાત્કાલિક વિખેરી નાખવા ઉચ્ચસ્તરીય માંગ

આ ગંભીર રજૂઆત બાદ પોરબંદરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કમલેશ થાનકીએ કેન્દ્ર અને પ્રદેશ સંગઠન સમક્ષ માંગ કરી છે કે પોરબંદર જિલ્લા ભાજપનું વર્તમાન સંગઠન માળખું તાત્કાલિક અસરથી વિખેરી નાખવામાં આવે. પક્ષ માટે વર્ષોથી નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીથી અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર કામ કરનાર અનુભવી આગેવાનો અને કાર્યકરોને સંગઠનમાં યોગ્ય જવાબદારી સોંપવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. આ વિવાદ આગામી સમયમાં કેવું રાજકીય વળાંક લે છે તે તરફ સૌની નજર ટકેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો