પોરબંદર શહેરમાં જર્જરિત મકાનો અને બાંધકામો ચોમાસાની ઋતુમાં કાળમુખા સાબિત થઈ રહ્યા છે. મોડી રાત્રિના સમયે એક જૂના મકાનમાં રહેતો પરિવાર ઊંઘી રહ્યો હતો તે દરમિયાન અચાનક મકાનનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

સ્લેબ ધરાશાયી થતાં જ ઘરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. જોકે, સ્લેબનો મોટો કાટમાળ ઘરમાં પડેલા ટીવી, ફર્નિચર અને અન્ય ઘરવખરીના સામાન પર પડતાં તમામ ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ મકાનમાલિક અને પીડિત પરિવારે સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. મકાનમાલિકના જણાવ્યા અનુસાર, આ જર્જરિત મકાનના સમારકામ અને જોખમી ભાગ અંગે અગાઉ સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રૂપે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી.

તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ 

દર વખતે તંત્ર દ્વારા "અમે ઉપર દરખાસ્ત મૂકી છે, મંજૂરી આવશે એટલે કામ થશે" તેવા વાહિયાત જવાબો આપીને કામગીરી ટાળવામાં આવતી હતી.જો તંત્ર દ્વારા સમયસર આ દરખાસ્ત પર કાર્યવાહી કરીને સમારકામ કરવામાં આવ્યું હોત તો આજે આ જોખમી સ્થિતિ અને આર્થિક નુકસાન ટાળી શકાયું હોત. સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈની બલિ ચડે પછી જ જાગશે?

આ પણ વાંચો: Surat: ચોક ચાર રસ્તા પાસેથી 17,500 ની નકલી નોટો અને લેપટોપ સાથે કલ્પેશ રાઠોડ ગિરફ્તાર