પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સામે કોર્ટે એક અત્યંત કડક અને ઐતિહાસિક હુકમ કર્યો છે. ભરણપોષણના એક કેસમાં કોર્ટ દ્વારા સજાનું વોરંટ હોવા છતાં, પોલીસ અધિકારીઓએ આરોપીની ધરપકડ કરી નહોતી અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ કેશોદ ફેમિલી કોર્ટે કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI), હેડ કોન્સ્ટેબલ અને હેડ ક્વાર્ટર ડીવાયએસપી (DySP) સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવવા માટે કોર્ટના સિનિયર ક્લાર્કને સ્પષ્ટ આદેશ કર્યો છે.

CCTV ફૂટેજમાં ખુલી પોલીસની પોલ

પોલીસે કોર્ટ સમક્ષ એવો અહેવાલ રજૂ કર્યો હતો કે આરોપી મળતો નથી અને તેથી વોરંટ પરત મોકલી દેવાયું છે. પરંતુ કોર્ટમાં રજૂ થયેલા સીસીટીવી (CCTV) ફૂટેજે પોલીસની આખી પોલ ખોલી નાખી હતી. સીસીટીવી ફૂટેજ અનુસાર, આરોપી ગત 30 જૂન 2026ના રોજ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જ હાજર હોવાનું સાબિત થયું હતું. આ ઉપરાંત, પોલીસે કોર્ટના સજા વોરંટના રજિસ્ટરમાં પણ કાયદા વિરુદ્ધ જઈને ચેડાં કર્યા હોવાની ગંભીર નોંધ કોર્ટે લીધી છે.

PI અને DySP સહિતના અધિકારીઓ સામે ફરિયાદ

કોર્ટે જે અધિકારીઓ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે તેમાં કુતિયાણાના પી.આઈ. એમ. ડી. વાળા, હેડ કોન્સ્ટેબલ ડી. એચ. જાડેજા અને હેડ ક્વાર્ટર ડીવાયએસપી (DySP) નો સમાવેશ થાય છે. આ મામલે ગત 10 જુલાઈ 2026ના રોજ પોરબંદર એસપી (SP) દ્વારા રજૂ કરવામાં આવેલો તપાસ અહેવાલ પણ કોર્ટે અસંતોષકારક ગણાવીને નામંજૂર કરી દીધો છે. કાયદાનો ભંગ કરનારા આ પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટે કોર્ટે પોતાના હુકમની નકલ રાજ્યના ડીજીપી (DGP), જૂનાગઢ રેન્જ આઈજી (IG) અને પોરબંદર એસપીને મોકલવા માટે ખાસ નિર્દેશ આપ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો