હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવાની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં, ચોપાટી કિનારે કેટલાક યુવકો બેદરકારીપૂર્વક જીવના જોખમે સોશિયલ મીડિયા માટે ફોટોસેશન કરતા નજરે ચડ્યા હતા.
ઉછળતા મોજા વચ્ચે કેમેરામાં કેદ થયા યુવકો
દરિયાના ધસમસતા પાણી અને ઊંચા ઉછળતા મોજાની સમાંતર ઉભા રહીને યુવકો ફોટા અને રીલ્સ બનાવતા કેમેરામાં કેદ થયા હતા. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે ત્યારે યુવકોની આ પ્રકારની ઘોર બેદરકારી મોટી હોનારતને આમંત્રણ આપી રહી છે. એક નાના સરખા પગ લપસવાથી કે દરિયાના વહેણમાં ખેંચાઈ જવાથી ક્ષણવારમાં મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે.

