પોરબંદરની જાણીતી કે.બી.તાજાવાલા સ્કૂલ વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા એક મોટી અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે.શાળા વહીવટી તંત્ર દ્વારા સરકારની આગોતરી મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર રીતે બાલવાટિકાના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા.શાળાની આ ઘોર બેદરકારીના કારણે 20 કરતા પણ વધુ નિર્દોષ બાળકોનું આખું શૈક્ષણિક વર્ષ બગડ્યું છે જેને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ કડક વલણ અપનાવી શાળાને રૂપિયા 15000નો દંડ ફટકાર્યો છે.
જાગૃત વાલીઓએ એક થઈને લાંબી લડત ચલાવી
મળતી માહિતી મુજબ,શાળા સત્તાધીશોએ વાલીઓ પાસેથી નિયમ મુજબ ફીની ઉઘરાણી તો કરી લીધી હતી.પરંતુ બાલવાટિકાની સત્તાવાર મંજૂરી ન હોવાના કારણે તેઓ સરકારી પોર્ટલ પર વિદ્યાર્થીઓનું ચાઇલ્ડ યુઆઇડી જનરેટ કરી શક્યા નહોતા.સરકારી ચોપડે બાળકોની એન્ટ્રી જ ન થતાં તેમનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું હતું.શાળાની આ છેતરપિંડી સામે જાગૃત વાલીઓએ એક થઈને લાંબી લડત ચલાવી હતી.જેના દબાણ હેઠળ આખરે પોરબંદર શિક્ષણ વિભાગે આ કડક પગલું ભરવું પડ્યું છે.
