બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં તાજેતરમાં એક જ રાતમાં 6 જેટલી આંગડિયા પેઢીઓને નિશાન બનાવી તરખાટ મચાવનારી ટોળકીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા નોંધાવવામાં આવેલી ચોરીની ફરિયાદને આધારે તપાસ ચલાવી રહેલી બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે આંતરરાજ્ય લૂંટારૂ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ રીઢા તસ્કરોને મુંબઈથી દબોચી લીધા છે.
સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મળ્યો સગડ
પાલનપુર જેવા શાંત શહેરમાં એકસાથે 6 આંગડિયા પેઢીઓમાં ચોરી થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ હાઈપ્રોફાઈલ કેસનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત પોલીસ પદ્ધતિનો આશરો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંખાડ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ નેટવર્કના આધારે પોલીસ કડીઓ મેળવતા મેળવતા મુંબઈ સુધી પહોંચી હતી અને ત્યાંથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
