ગુજરાત પોલીસ બેડાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાના રક્ષકો સામે ગંભીર સવાલો ઊભા કરતી અત્યંત ચોંકાવનારી ઘટના ઉત્તર ગુજરાતમાં સામે આવી છે. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પ્રવીણ મોરી સામે ૨૨ વર્ષીય યુવતીનું સરકારી પિસ્તોલની અણીએ અપહરણ કરવા તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સંગીન ગુનો નોંધાયો છે. આ ગંભીર બાબત સામે આવતાં જ પાટણ જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તાત્કાલિક અસરથી PSI પ્રવીણ મોરીને સસ્પેન્ડ કરવાનો કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ PSI પોતાના સરકારી ક્વાર્ટર પરથી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દ્વારા તેમના રહેઠાણ પર નોટિસ ફટકારી શોધખોળ તેજ કરવામાં આવી છે.
પાલનપુરના ગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો
રાધનપુર પોલીસ મથકમાં તૈનાત PSI પ્રવીણ મોરી વિરુદ્ધ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા સ્થિત ગઢ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, પીએસઆઈએ એક 22 વર્ષીય યુવતીને પોતાની પિસ્તોલ બતાવી, ડરાવી-ધમકાવીને તેનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું.એટલું જ નહીં, યુવતીને મોઢું બંધ રાખવા અને વિરોધ ન કરવા માટે ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્શનનો હથોડો ઝીંક્યો
પોલીસ અધિકારીના આવા ગુનાહિત કૃત્ય સામે ઉચ્ચ સ્તરેથી આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. પાટણ જિલ્લા પોલીસ વડાએ ગંભીર શિસ્તભંગ અને ગુનાહિત ઈતિહાસ રચનારા PSI પ્રવીણ મોરીને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કર્યો છે.સસ્પેન્શન ઓર્ડર અને કાનૂની કાર્યવાહી માટે જ્યારે પોલીસ ટીમ તેમના સરકારી ક્વાર્ટર પર પહોંચી ત્યારે પીએસઆઈ ત્યાં હાજર મળ્યા નહોતા.તેઓ ક્વાર્ટર છોડીને નાસી ગયા હોવાથી પોલીસે સત્તાવાર રીતે તેમના સરકારી રહેઠાણના દરવાજે હાજર થવા અંગેની નોટિસ ફટકારી છે.
PSI પ્રવીણ મોરી ફરાર, પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ
પોતાના જ સાથીદાર અધિકારી સામે ગુનો નોંધાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.ગઢ પોલીસ સ્ટેશન અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરાર PSI પ્રવીણ મોરીનું લોકેશન ટ્રેસ કરીને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો રવાના કરવામાં આવી છે.સરકારી હથિયારનો દુરુપયોગ અને યુવતીના અપહરણ પાછળનો ચોક્કસ હેતુ શું હતો તે દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Surat: લિંબાયતની સહજાનંદ સોસાયટીમાં ડબલ મર્ડર, મિલકતના વિવાદમાં મોટો પુત્રએ માતા અને નાના ભાઈની હત્યા કરી