હવામાન વિભાગ દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાને રાખીને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરીને તમામ વિભાગોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે.

આવતીકાલે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે

ભારે વરસાદની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આવતીકાલે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. અતિભારે વરસાદના કારણે નાના બાળકો અને વિદ્યાર્થીઓને શાળા-કોલેજે જવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ

સાબરકાંઠા જિલ્લામાં નદી-નાળાં અને જળાશયોના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અને સ્થાનિક પ્રશાસન સજ્જ થઈ ગયું છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા અને ભારે વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો