સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર નજીક વહેતી સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા મહેસાણા જિલ્લાના બે આશાસ્પદ યુવાનોના નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં જ બનેલી આ કાળજું કંપાવનારી દુર્ઘટનાને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દશામા વ્રતના વિસર્જન પ્રસંગે મહેસાણાથી આવેલા ચાર યુવકો મૂર્તિ પધરાવ્યા બાદ નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન પાણીના ઝડપી અને ઊંડા પ્રવાહનો ખ્યાલ ન રહેતાં બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમે યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ નદી કિનારે ઉમટી પડ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં ઇડર, હિંમતનગર અને વિજાપુરથી ફાયર ફાઇટરની ટીમો બચાવ સામગ્રી સાથે સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સાબરમતી નદીના ઊંડા પાણીમાં સઘન શોધખોળ હાથ ધરીને કલાકોની ભારે જહમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ નવદીપ અશોકભાઈ રાવત (ઉંમર 18, રહે. મોલીપુરા, તા. વડનગર) અને રાજવીર બાલુજી ઠાકોર (ઉંમર 18, રહે. રામપુરા ભંડોડા, તા. જોટાણા) તરીકે થઈ છે.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા

બનાવની જાણ થતાં જ જાદર પોલીસ મથકનો કાફલો પણ સપ્તેશ્વર નદી કિનારે પહોંચી ગયો હતો. પોલીસે બંને 18 વર્ષીય મૃતક યુવાનોના મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સપ્તેશ્વર મહાદેવના દર્શનાર્થે દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે આ દુર્ઘટનાને પગલે મૃતક યુવાનોના પરિવારજનોમાં કાળો કળકળાટ અને ભારે આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો