સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક શંકાસ્પદ કારના ચાલકે ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વડાલીના કુબાધરોલ ગામે બ્લેક કાચ ધરાવતી લક્ઝુરિયસ કાર બેફામ ગતિએ પસાર થતાં જ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગામના રસ્તાઓ પરથી સવાર-સાંજ પૂરપાટ ઝડપે પસાર થતી આ કારને કારણે સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા અને શાંતિ જોખમાઈ છે.
સ્થાનિકોનો કાર રોકવાનો પ્રયાસ નિષ્ફળ
ગામ વચ્ચેથી અવારનવાર પસાર થતી આ લક્ઝુરિયસ કારને રોકવા માટે સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ કાર ચાલક કાર ઊભી રાખવાને બદલે વધુ ઝડપથી હંકારીને ભાગી છૂટ્યો હતો. કારના બ્લેક ગ્લાસ હોવાના કારણે અંદર રહેલી વ્યક્તિઓ કે સામગ્રી જોઈ શકાતી નથી. ગામ લોકોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે આ લક્ઝુરિયસ કારમાં શંકાસ્પદ નશીલા પદાર્થોની હેરફેર કરવામાં આવી રહી હોઈ શકે છે.
