વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે બિરાજતા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય વારસાને લઈને એક ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર ધામમાં હનુમાનજી દાદાના વિવિધ મનોહર સ્વરૂપો તેમજ ભક્તોમાં અત્યંત આદરણીય બનેલી વિશાળ પ્રતિમા "કિંગ ઓફ સાળંગપુર" (King of Salangpur) સહિતના વિવિધ ચિહ્નોને કૉપીરાઇટ અને ટ્રેડમાર્કનું કાયદાકીય સંરક્ષણ પ્રાપ્ત થયું છે.
અગ્રણી લો ફર્મ દ્વારા પ્રક્રિયા પૂર્ણ અને સમયની માંગ
આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા દેશની અગ્રણી અને પ્રતિષ્ઠિત લો ફર્મ 'D N AHYA & CO' દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આજના ડિજિટલ અને વ્યાપારી યુગમાં ધાર્મિક પ્રતીકો કે મૂર્તિઓના સ્વરૂપોનો દુરુપયોગ ન થાય તે માટે બૌદ્ધિક સંપત્તિના કાયદા હેઠળ તેને સુરક્ષિત કરવા અનિવાર્ય બન્યા છે. કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રોટેક્શન મળ્યા બાદ હવે સાળંગપુર મંદિરની પૂર્વ પરવાનગી વિના દાદાના આ વિશિષ્ટ સ્વરૂપો કે નામનો વ્યાપારી હેતુ માટે અનધિકૃત ઉપયોગ ગુનાહિત ગણાશે, જે ધામની મર્યાદા જાળવવામાં મદદરૂપ નીવડશે.













