અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોટી દેવતી બાયપાસ રોડ પર દીપડો દેખાયો હોવાની આશંકાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સાણંદ-મોટી દેવતી રોડ અને ખાસ કરીને મોટી દેવતીના ઈટવાડા ગામ નજીકના વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાની વાતો વહેતી થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.
વન વિભાગની તપાસ અને સર્ચ ઓપરેશન
સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી જાણકારીના આધારે વન વિભાગે ઈટવાડા અને બાયપાસ રોડ આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હાલના તબક્કે વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની હાજરી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. વન વિભાગના કર્મચારીઓ દ્વારા પગમાર્ક (પગલાંના નિશાન) અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
