ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાનું પ્રખ્યાત સર્પગંગા તળાવ ફરી એકવાર મોટા વિવાદમાં આવ્યું છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષા અર્થે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લાના તમામ ઝરણાં, નદીઓ અને જળાશયો નજીક જવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ જાહેરનામું બહાર પડ્યું તે જ દિવસે સાપુતારાના સર્પગંગા તળાવમાં એક અત્યંત ચોંકાવનારી અને વહીવટી તંત્રના આદેશોના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.
બોટિંગ દરમિયાન પ્રવાસીએ તળાવમાં લગાવી છલાંગ
મહારાષ્ટ્રથી સાપુતારા ફરવા આવેલો એક પ્રવાસી પરિવાર સર્પગંગા તળાવમાં બોટિંગની મજા માણી રહ્યો હતો. બોટિંગ દરમિયાન આ પરિવારનો એક સભ્ય કોઈ અકળ કારણોસર અચાનક ચાલુ બોટમાંથી સીધો તળાવના ઊંડા પાણીમાં કૂદી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના અન્ય પ્રવાસીઓ અને બોટ ચાલકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. પ્રવાસીએ તળાવમાં છલાંગ લગાવી હોવાની વિગતો વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
