વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ છાણભોઈ ગામમાં એક સનસનાટીભરી અને દર્દનાક હત્યાની ઘટના સામે આવી છે. ગામની નવીનગરી વિસ્તારમાં સવારે 8:00 થી 8:30 વાગ્યાના અરસામાં મનીષાબેન કિરણભાઈ વસાવા નામના વિધવા મહિલાની કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગે શિનોર પોલીસને જાણ કરાતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ હતી.

બે વર્ષથી સાથે રહેતા પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારી

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક મનીષાબેનના પતિનું 10 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું અને તેઓ એકલા રહેતા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ ગામના જ સતીશ વસાવા નામના શખ્સ સાથે પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. કોઈ અગમ્ય કારણોસર સાથે રહેતા સતીશ વસાવાએ જ અચાનક ઉશ્કેરાઈને મનીષાબેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હોવાની આશંકા સામે આવી છે. શિનોર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સતીશ વસાવાને પકડી પાડ્યો છે.

Brutal murder of widow in Shinor

હત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ તેજ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શિનોર પોલીસ મથકના PI આર.આર. વસાવા તેમજ વડોદરા ગ્રામ્ય DYSP આકાશ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને ક્રાઈમ સીન સીલ કર્યો હતો. આ અંગે મૃતક મહિલાના પુત્ર સોહમની ફરિયાદના આધારે શિનોર પોલીસે ગુનો નોંધીને હત્યા પાછળનું સાચું કારણ જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો