સુરેન્દ્રનગર જિલ્લાની બજાણા પોલીસે ગેરકાયદેસર દારૂની હેરફેર સામે મોટી સફળતા મેળવી છે. વિરમગામ-માલવણ હાઈવે પર આવેલી રાધે હોટલ નજીક બજાણા પોલીસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક દૂધના ટેન્કરને અટકાવ્યું હતું. ટેન્કરની સઘન તપાસ કરતા દૂધના ટેન્કરની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

6,816 બોટલ દારૂ અને ટેન્કર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ટેન્કરમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ઈંગ્લીશ દારૂની કુલ 6,816 બોટલો(ચપલાં) જપ્ત કર્યા છે, જેની કિંમત રૂ.16,15,872 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે રૂ.15 લાખની કિંમતનું દૂધનું ટેન્કર અને રૂ.20,000 નો મોબાઈલ ફોન મળીને કુલ રૂ.31,35,872 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Surendranagar: Police crackdown on Viramgam-Malvan highway

રાજસ્થાનના ચાલકની ધરપકડ, અન્ય આરોપીની શોધખોળ

બજાણા પોલીસે ટેન્કરના ચાલક સુભાષભાઈ ફરસારામ બિશ્નોઈ (રહે. રાજસ્થાન) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે. આ ગુનાની પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતાં અન્ય એક આરોપી વિરમારામ હીરારામ (રહે. બારમેર, રાજસ્થાન) ને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો