સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ, વ્યૂઝ અને પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં કેટલાક લોકો કાયદો અને વ્યવસ્થાને તારે ચઢાવી દેતા હોય છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ પ્રકારની એક ઘટના સામે આવી છે, જ્યાં સોશિયલ મીડિયા પર વાંધાજનક વીડિયો અપલોડ કરનાર એક શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી સોશિયલ મીડિયા પર નકામી અને ગેરકાયદે બાબતો ફેલાવનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

જાહેર રસ્તા પર દારૂનો વીડિયો બનાવી કર્યો હતો અપલોડ

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરમાં એક ઈસમ દ્વારા જાહેર રસ્તા પર દારૂ સંબંધિત એક વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર માત્ર સસ્તી લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી આ શખ્સે આ ગેરકાયદેસર વીડિયો વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધો હતો. આ વીડિયો જનતાને ગેરમાર્ગે દોરનારો અને ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારો હોવાથી સાયબર ક્રાઈમ ટીમ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી.

ટેકનિકલ સોર્સ અને મોનિટરીંગ દ્વારા આરોપી પકડાયો

સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એ.બી. જાડેજા તથા તેમની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત મોનિટરીંગ રાખવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સાયબર ટીમને આ વાંધાજનક વીડિયો મળી આવ્યો હતો. પોલીસે ઉચ્ચ ટેકનિકલ એનાલિસિસ (Technical Analysis) અને હ્યુમન સોર્સની મદદથી વીડિયો અપલોડ કરનાર શખ્સને સફળતાપૂર્વક ટ્રેસ કરી લીધો હતો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

શખ્સે ભૂલ સ્વીકારી ભવિષ્યમાં ન કરવાની ખાતરી આપી

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને કબૂલાત કરી હતી કે તેણે માત્ર સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં અજાણતા આ વાંધાજનક વીડિયો બનાવ્યો હતો. સાયબર પોલીસે તેને કાયદાનું કડક ભાન કરાવ્યું હતું અને પોતાની ભૂલનો અહેસાસ કરવ્યો હતો. આરોપીએ પસ્તાવો વ્યક્ત કરીને ભવિષ્યમાં ક્યારેય પણ આવા વાંધાજનક કે ગેરકાયદેસર વીડિયો નહીં બનાવવા અંગેની લેખિત કે મૌખિક ખાતરી આપી હતી. સાયબર ક્રાઈમની આ લાલ આંખથી સોશિયલ મીડિયાના યુઝર્સમાં સાવચેતીનો સંદેશ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો