સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વન વિભાગની ટીમને મોટી સફળતા સાંપડી છે. થાનના લાખામાચી ગામની સીમ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી એક હિંસક દીપડાની અવરજવર અને દહેશત જોવા મળી રહી હતી. આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આ ભય ફેલાવતો દીપડો આબાદ રીતે કેદ થઈ ગયો છે. દીપડો પાંજરે પુરાતાં જ વન વિભાગની ટીમે મોટો રાહતનો શ્વાસ લીધો છે.
લાંબા સમયથી સીમ વિસ્તારમાં હતો દીપડાનો ત્રાસ
લાખામાચી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની હાજરીના કારણે ખેડૂતો અને માલધારીઓમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પિયત કરવા જતા ખેડૂતો અને સીમમાં પશુ ચરાવવા જતા પશુપાલકો પોતાની સુરક્ષાને લઈને સતત ચિંતિત રહેતા હતા. દીપડાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા વન વિભાગ સમક્ષ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી.

