શહેરી વિકાસ અને જિલ્લાના પ્રભારી મંત્રીના વરદ હસ્તે લખતર તાલુકાના માલિકા ગામમાં ગ્રામીણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવું સોપાન ઉમેરાયું છે. અહીં રૂ. 1.90 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા આધુનિક અને સુવિધાસભર નવા શાળાભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામજનો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મંત્રી દર્શનાબેન વાઘેલાએ વાગોળ્યા પોતાના જૂના સંસ્મરણો

આ લોકાર્પણ સમારોહ દરમિયાન એક ખૂબ જ ભાવનાત્મક ક્ષણ જોવા મળી હતી. મંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના જૂના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, વર્ષ 2001 માં તેમણે આ જ ગામની શાળામાં એક સામાન્ય શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે અમદાવાદથી આવવા-જવાની ભારે અગવડતા અને પારિવારિક સંજોગોના કારણે તેમને નોકરી છોડવી પડી હતી. પરંતુ આજે એ જ શાળામાં એક સાધારણ શિક્ષિકામાંથી રાજ્યના મંત્રી તરીકે પરત ફરવાનો અને લોકાર્પણ કરવાનો તેમને અનેરો અને અવિસ્મરણીય આનંદ અનુભવાયો છે.

પ્રભાવશાળી મહાનુભાવોની ઉપસ્થિતિ

આ વિશેષ લોકાર્પણ પ્રસંગે પંથકના અનેકદિગ્ગજ નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અજયસિંહ રાણા, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી અને વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Surendranagar News: New School Building Worth Rs 1.90 Crore Inaugurated in Malika, Lakhotar

ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

મંત્રી અને વહીવટી તંત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઉત્સાહી વિદ્યાર્થીઓ જોડાયા હતા. નવા શાળાભવનના નિર્માણથી ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવામાં ઉત્તમ સુવિધાઓ મળી રહેશે અને શૈક્ષણિક સ્તરમાં મોટો સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો: Surendranagar News: વ્યસન કરતા લોકો સાવધાન! બિલ વગરની અને ડુપ્લિકેટ સિગરેટ-તમાકુ વેચતો વેપારી ઝડપાયો