સુરેન્દ્રનગરના લીમડી ખાતે ફાયરિંગની ઘટના સામે આવી છે. જામનગર સી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને મધ્યપ્રદેશથી લઈ જામનગર જઈ રહ્યા હતા ત્યારે લીમડી પાસે આવેલી રામાધણી હોટલ નજીક આ ઘટના બની હતી. આરોપી દ્વારા હોટલ પાસે પહોંચતા બાથરૂમ જવાનો કહેતા પોલીસ દ્વારા રામાધણી હોટલ પાસે ઊભા રહ્યા હતા. તે દરમિયાન આરોપીએ એક પોલીસકર્મીનું હથિયાર છીનવીને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
PSI એમ.એમ. કુંભારવાડીયા દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ
જામનગર સી ડિવિઝનના PSI એમ.એમ. કુંભારવાડીયા સહિતની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ચાબુવા વિસ્તારમાંથી આરોપી ઠાકુરભાઈ કલમયા ડામોરની અટકાયત કરી જામનગર લઈ જવા સમયે આ બનાવ બન્યો હતો. આરોપી સામે જામનગર ખાતે અલગ-અલગ 9 ગુના નોંધાયેલા છે. આરોપી દ્વારા ફાયરિંગ કરતા અન્ય એક પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી. જવાબી કાર્યવાહીમાં PSI એમ.એમ. કુંભારવાડીયા દ્વારા સ્વબચાવમાં આરોપીના પગ ઉપર ફાયરિંગ કરતા 1 રાઉન્ડ ગોળી આરોપીના પગમાં વાગી હતી.
