સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક અત્યંત ભાવનાત્મક અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આંબરડી ગામે આ વર્ષે દિવાળીનો તહેવાર અસલ અર્થમાં પ્રકાશ અને ખુશીઓ લઈને આવ્યો છે. ગત વર્ષે કળદાકાંડ અને અન્ય વિવાદોના કારણે ગામના ખેડૂતો જેલમાં હોવાથી આંબરડી ગામે દિવાળીની ઉજવણી થઈ શકી ન હતી અને આખો ગામ શોકના માહોલમાં હતો. પરંતુ આ વર્ષે ખેડૂતોની જેલમુક્તિ બાદ ગામમાં ફરીથી દિવાળીનો ઉત્સાહ અને રોશની જોવા મળી છે.

રાજુ કરપડાની આંબરડી ગામની મુલાકાત, બાળકો સાથે વહેંચી ખુશીઓ

ગત વર્ષે જેલમાં હોવાના કારણે દિવાળી ન ઉજવી શકનાર ખેડૂત આગેવાન રાજુ કરપડા આ વર્ષે સીધા દિવાળીના પવિત્ર દિવસે જ આંબરડી ગામના ખેડૂત પરિવારોને મળવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે આજુબાજુના ગામોના અનેક ખેડૂત આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈએ ગામમાં પહોંચીને ખેડૂતોના બાળકો સાથે મુલાકાત કરી હતી, તેમને મીઠાઈ ખવડાવીને દિવાળીની ખુશીઓ વહેંચી હતી અને વડીલોના આશીર્વાદ લીધા હતા.

વિહળ બાપુ રાબાના દર્શન અને સ્થાનિક જળાશયો અંગે ચર્ચા

આ મુલાકાત દરમિયાન ખેડૂત આગેવાનોએ વિહળ બાપુ રાબા સહિત 12 ભયબંધની ઐતિહાસિક જગ્યાએ જઈને દર્શન કર્યા હતા અને પોતાની માનતા પૂર્ણ કરી હતી. આ સાથે જ ગામના આગેવાનો અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ગામના સ્થાનિક પ્રશ્નો, સિંચાઈના પાણી અને જળાશયોની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બે વર્ષના સંઘર્ષ બાદ ખેડૂતો પોતાના પરિવાર સાથે ખુશીથી દિવાળી મનાવી શકતા સમગ્ર પંથકમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો