સુરેન્દ્રનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે પોલીસ દ્વારા સઘન અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા કુખ્યાત આરોપી અને વ્યાજખોર ઋતુ રબારીનું મોડી રાત્રે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. શહેરના જાણીતા ભક્તિ નંદન સર્કલ નજીક મહિલા પોલીસકર્મીઓ દ્વારા કુખ્યાત આરોપી ઋતુ રબારીને હાથ પકડીને જાહેરમાં ફેરવવામાં આવ્યો હતો અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવીને કાયદો અને વ્યવસ્થાનું અસલી ભાન કરાવાયું હતું. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભારે ચર્ચા જાગી છે.
ફાયરિંગ-મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઋતુ રબારી છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં પ્રદાન કરી અને જરૂરિયાતમંદો પાસેથી ૫ ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલતો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રવિ માર્યા અને મુખ્ય આરોપી ઋતુ રબારીની ધરપકડ કરી લીધી હતી. નોંધનીય છે કે ઋતુ રબારી સામે અગાઉ પણ વ્યાજખોરી ઉપરાંત ફાયરિંગ, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે તે લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો.
