સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા પાનવા ગામે 18 વીઘા કિંમતી જમીન હડપ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સર્વે નંબર 965ની આ જમીનના મૂળ માલિક મોડજીભાઈ ધનાભાઈ 1984માં અપરિણીત અને નિઃસંતાન અવસાન પામ્યા હતા. આ જમીન હડપવાના ઇરાદે ચંપાબેન ઠાકોરે ખોટું સોગંદનામું અને પેઢીનામું રજૂ કરી પોતાની જાતને મોડજીભાઈની પુત્રી દર્શાવીને વારસાઈ નોંધ નંબર 4922 કરાવી લીધી હતી. ત્યારબાદ ચંપાબેને 23 એપ્રિલ 2025ના રોજ આ જમીન મહેસાણાના નીતાબેન પટેલને પ્રતિ વીઘા રૂ.11 લાખના ભાવે કુલ રૂ.1.98 કરોડમાં વેચી મારી હતી.

વેચાણ અને વારસાઈ નોંધ કરાઈ રદ 

આ સમગ્ર બોગસ વ્યવહાર સામે મૂળ માલિકના પરિવારજન ચંદુભાઈ પાનવેચાએ મૃતકના અસલ મરણ પ્રમાણપત્ર અને પુરાવા સાથે નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી અપીલ દાખલ કરી હતી. મામલાની ગંભીરતા જોઈ પાટડી પ્રાંત અધિકારીએ કાયદેસરની સુનાવણી હાથ ધરી હતી. પ્રાંત અધિકારીએ ચંપાબેનના નામે કરાયેલી વારસાઈ નોંધ 4922 અને ત્યારબાદની વેચાણ નોંધ 4959ને પ્રમાણિત કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરી દીધો છે અને જમીન પુનઃ મૂળ માલિકના નામે જ રાખવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે.

Land scam worth Rs 1.98 crore in Surendranagar

જમીન પુનઃ મૂળ માલિકના નામે કરવા હુકમ

દસાડા અને પાટડી પંથકમાં ભૂમાફિયાઓ, દલાલો અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓની મિલીભગતથી અભણ ખેડૂતો અને મૃતકોની જમીનો હડપવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે સરકારી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બોગસ દસ્તાવેજોના આધારે વારસાઈ નોંધો મંજૂર કરી દેતા તલાટી અને મહેસૂલી અધિકારીઓ સામે પણ કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માગણી ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો