સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં અસામાજિક તત્વો અને નશાનો કારોબાર ચલાવનારાઓ સામે પોલીસ વિભાગે સકંજા વધુ કડક બનાવ્યો છે. માત્ર એક જ સપ્તાહના સમયગાળામાં બીજી વખત મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાઇ આવતા પોલીસ બેડામાં તેમજ નશાના વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર SOG અને ધજાળા પોલીસની સંયુક્ત તેમજ અલગ-અલગ સચોટ બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સેજકપર ગામની સીમમાંથી સૂકો ગાંજો ઝડપાયો

સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે સાયલા તાલુકાના સેજકપર ગામની સીમમાં સઘન ચેકિંગ અને દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ ટીમે સેજકપર વિસ્તારમાંથી કુલ 5.390 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ સૂકો ગાંજાનો જથ્થો સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. આ કાર્યવાહીથી નશાનો વેપલો ચલાવતા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી અને SOG ની સતર્કતા સાબિત થઈ હતી.

કપાસ અને એરંડાની આડમાં ચાલતી લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ

સેજકપર ઉપરાંત ધજાળા પોલીસ દ્વારા પણ એક મહત્વની અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધજાળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક સીમ વિસ્તારમાં ફરાર આરોપીની વાડીમાં છૂપી રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી. ખેડૂતો કે સામાન્ય લોકોને શંકા ન જાય તે માટે એરંડા અને કપાસના ઊંડા પાકની આડમાં આ ગેરકાયદે લીલા ગાંજાની ખેતી ધમધમી રહી હતી. ધજાળા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ વાડીમાંથી 8 કિલો વજન ધરાવતા કુલ 36 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા.


કુલ 13.390 કિલો ગાંજો અને લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ બેવડી રેડમાં બન્ને સ્થળો પરથી કુલ મળીને સૂકો અને લીલો થઈને અંદાજે 13.390 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીમાં કુલ રૂ. 6.69 લાખના મુદામાલ સાથે સંડોવાયેલા બન્ને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ ગંભીર ગુનાના કેસ નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Surendranagar News: સાયલા-ચોટીલા હાઈવે પરથી મળી 10,608 વિદેશી દારૂની બોટલ