સુરેન્દ્રનગર શહેરની દુધરેજ શાળા નંબર 2માં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજન માટેના અનાજને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શાળામાં સડેલું અનાજ મળી આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલે તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે.

સડેલું અનાજ મળતાં વાલીઓમાં રોષ

શાળામાં મધ્યાહન ભોજન માટે ઉપયોગમાં લેવાતા અનાજની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે. સામે આવેલા વીડિયોમાં અનાજ સડેલી હાલતમાં હોવાનું દેખાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રકારનું અનાજ બાળકોના ભોજનમાં ઉપયોગમાં લેવાતું હોય તો તેમના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે તેવી ચિંતા વાલીઓએ વ્યક્ત કરી છે.

પ્રિન્સિપાલે કર્યો મોટો ખુલાસો

આ મામલે શાળાના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરવામાં આવતા તેમણે આ અનાજ ઉપરથી આવતું હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે અનાજની ખરીદી, સપ્લાય અને ગુણવત્તા ચકાસણીની સમગ્ર પ્રક્રિયા સામે પણ સવાલો ઉભા થયા છે.

Surendranagar School Rotten Grains Row: Parents Demand Probe Into Mid Day Meal

તંત્રની કામગીરી સામે પણ સવાલ

સમગ્ર મામલો સામે આવ્યા બાદ પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે બાળકોના ભોજન સાથે જોડાયેલા મામલામાં તંત્રએ તાત્કાલિક તપાસ કરીને જવાબદારી નક્કી કરવી જોઈએ.

Surendranagar School Rotten Grains Row: Parents Demand Probe Into Mid Day Meal

અન્ય શાળાઓમાં પણ આવું અનાજ પહોંચે છે?

વાલીઓએ માત્ર દુધરેજની શાળા પૂરતો મામલો ન હોવાનું જણાવી અંતરિયાળ ગામોની શાળાઓમાં પણ આવું જ અનાજ પહોંચતું હોવાનો આક્ષેપ કર્યો છે. હવે કલેક્ટર અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. તપાસ નહીં થાય તો આગામી સમયમાં શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ વાલીઓએ આપી છે. 


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : બે મહાશક્તિઓની થશે મુલાકાત, અમેરિકા-ચીન નજીક આવ્યા તો ભારત માટે શું બદલાશે?