દશેરાના પવિત્ર તહેવારને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે લાલ આંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સુરેન્દ્રનગર શહેર ઉપરાંત વઢવાણ, ચોટીલા, લીંબડી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં કડક ચેકિંગ સાથે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી કુલ ૨૫ જાણીતી અને નાની-મોટી પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
42 નમૂના ચકાસણી માટે ભુજ લેબોરેટરી મોકલાયા
તહેવારોમાં સૌથી વધુ વપરાતા સીંગતેલના 11 તેમજ દશેરાના વિશેષ પર્વે વેચાતા જલેબી, ફાફડા, ચોળાફળી, નમકીન અને ફરસાણના 31 મળીને કુલ 42 શંકાસ્પદ નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને સરકારી પરીક્ષણ અર્થે ભુજ ખાતે આવેલી સ્ટેટ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ કરનારા વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
