સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની માઠી દશા અટકવાનું નામ નથી લઈ રહી. તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે પહેલાથી જ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, ત્યાં હવે વન્યજીવોના ત્રાસે ખેડૂતોની ચિંતામાં બમણો વધારો કર્યો છે. લખતરના ઘણાદ ગામના ખેતરોમાં ઘુડખરના ઝૂંડે ધસી આવીને વાવેલા પાકનું નિકંદન કાઢી નાખતાં સ્થાનિક ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

પહેલાં વરસાદી માર અને હવે ઘુડખરનો આતંક

ઘણાદ ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ, ચાલુ સિઝનમાં શરૂઆતી ભારે વરસાદને કારણે પાક ધોવાઈ ગયો હતો. ત્યારબાદ માંડ માંડ ઉગી નીકળેલા નવા પાક પર હવે ઘુડખરોએ આતંક મચાવ્યો છે. રાત્રિ અને દિવસના સમયે ખેતરોમાં ઘુસી જતા ઘુડખરોના ઝૂંડ ઉભા પાકને રગદોળીને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. વરસાદી અનારતમાંથી હજુ ખેડૂતો બહાર આવ્યા નથી ત્યાં વન્યજીવોના ત્રાસથી ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ફોરેસ્ટ વિભાગને આવેદન અને તાત્કાલિક સહાયની માગ

સરકાર દ્વારા હજુ સુધી વરસાદી નુકસાનીનો યોગ્ય સર્વે કરીને સહાય ચૂકવવામાં આવી નથી, તેવામાં ઘુડખરે કરેલા નુકસાનથી અકળાયેલા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ઘણાદ ગામના પીડિત ખેડૂતોએ એકઠા થઈને લખતર ખાતે આવેલી ફોરેસ્ટ (વન) વિભાગની કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ માગ કરી છે કે વન વિભાગ અને પ્રશાસન તાત્કાલિક ધોરણે ખેતરોની મુલાકાત લઈ સર્વે હાથ ધરે અને ઘુડખર દ્વારા થયેલા પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો