સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી માનવતા અને સમયસૂચકતાનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પારિવારિક અણબનાવથી કંટાળીને નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ખેતરમાંથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા શ્રમિકોની નજર પડતાં તેમણે પોતાની જાનની પરવા કર્યા વિના કેનાલમાં કૂદીને મહિલાને સહીસલામત બહાર કાઢી નવું જીવન આપ્યું હતું.

કૌટુંબિક કલેશથી કંટાળીને ઉઠાવ્યું અંતિમ પગલું

લખતર શહેરની એક મહિલા ઘરકંકાસ અને કૌટુંબિક ઝઘડાઓથી માનસિક રીતે ખૂબ જ પરેશાન હતી. સતત વધતા માનસિક તણાવના કારણે આખરે તેણે મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હતો. મહિલા લખતર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર પહોંચી હતી અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. સદનસીબે તે જ સમયે ખેત મજૂરીનું કામ પતાવીને કેટલાક શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.

શ્રમિકોએ જીવ જોખમમાં મૂક્યો અને પોલીસ તપાસ શરૂ

ટ્રેક્ટર ચાલક અને ખેતમજૂરોની નજર કેનાલમાં છલાંગ લગાવતી મહિલા પર પડતાં જ તેમણે તાત્કાલિક ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું. વિલંબ કર્યા વિના ટ્રેક્ટર ચાલક સહિતના મજૂરો કેનાલના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા અને ડૂબી રહેલી મહિલાને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. સ્થાનિકોએ મહિલાને તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ રિફર કરાઈ છે. આ ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો