સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નોલી ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનીજચોરીના નેટવર્ક પર રાજકોટ રેન્જ આઇ.જી.ની ટીમે આકસ્મિક દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. નોલી ગામના સ્મશાન પાસે આવેલી સરકારી કિંમતી જમીનમાંથી ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિક તંત્રની મિલીભગત કે નિષ્ક્રિયતા વચ્ચે ચાલી રહેલા આ કારસ્તાનની ચોક્કસ બાતમીના આધારે રેન્જ આઇ.જી.ની ખાસ ટીમે ઓપરેશન પાર પાડીને રેતીચોરી ઝડપી પાડી છે.

ડમ્પર, લોડર અને ટ્રેક્ટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

આ દરોડા દરમિયાન સરકારી જમીનમાંથી રેતી ઉલેચવા માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનો અને મશીનરી ઘટનાસ્થળેથી જ ઝડપી લેવામાં આવ્યા છે. રેન્જ આઇ.જી.ની ટીમે સ્થળ પરથી એક મોટું ડમ્પર, લોડર (જેસીબી) અને ટ્રેક્ટર સહિત કુલ રૂપિયા 63 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજચોરીમાં સંડોવાયેલા શખ્સો પોલીસની રેડ જોઈને વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આટલી મોટી કિંમતનો મુદ્દામાલ પકડાતા સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ધજાળા પોલીસને અંધારામાં રાખી ત્રાટકી ટીમ

આ સમગ્ર ઓપરેશનની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્થાનિક ધજાળા પોલીસ સ્ટેશનની હદમાં આટલું મોટું કૌભાંડ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ સાવ અજાણ હતી અથવા તો આંખ આડા કાન કરી રહી હતી. રાજકોટ રેન્જ આઇ.જી.ની ટીમે સ્થાનિક ધજાળા પોલીસને ઊંઘતી રાખીને સીધો સપાટો બોલાવ્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. હાલમાં જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને ગુનેગારો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક તપાસ શરૂ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો