સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામ પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં રેલવે ટ્રેક ઓળંગતી વખતે અથવા અકસ્માતે ટ્રેનની અડફેટે આવી જતાં એક આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઢાંકી પ્લેટફોર્મ અને લીલાપુર રેલવે સ્ટેશન નજીકથી આધેડનો મૃતદેહ અત્યંત કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ લીલાપુર ગામના વતની રમેશભાઈ પટેલ તરીકે થઈ હતી, જેઓ પોતાના નગરમાં એકલવાયું જીવન જીવતા હતા, જ્યારે તેમનો પુત્ર જામનગર ખાતે રહે છે.

સ્ટેશન માસ્ટરે પોલીસ અને GRPF ને જાણ કરી

ટ્રેક પર કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સ્ટેશન માસ્ટર દ્વારા તાત્કાલિક લખતર પોલીસ અને GRPFને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી જીઆરપીએફના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો તેમજ લખતર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ થળોદા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી

જીઆરપીએફ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતક રમેશભાઈના પરિવારજનોને જાણ કરાતાં જામનગરથી પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓ પણ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે જીઆરપીએફ અને સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો