સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. સાયલા તાલુકાના ચિત્રાલાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર તંત્રે સર્વેલન્સ ડ્રોન કેમેરાની મદદથી નજર રાખીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. ડ્રોનથી કરવામાં આવેલા સચોટ લોકેશન ટ્રેકિંગના આધારે ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા કોલસાના કુવાઓનો પર્દાફાશ થયો છે.
ટ્રેક્ટર, જનરેટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કોલસાના ગેરકાયદે ખોદકામ અને હેરફેર માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબ્જે કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્થળ પરથી 3 ટ્રેક્ટર, જનરેટર અને કૂવામાંથી કોલસો બહાર કાઢવા માટે વપરાતી ચરખીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી હાથ ધરાયેલી આ ઓપરેશનલ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

