સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ડોળીયા મુળી હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલા રાજકોટ રેન્જ IGની ટીમે ભાડુકા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી જેવા લાગતા પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. તંત્ર દ્વારા આ મામલે મળી આવેલા શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના જથ્થાના નમૂના લઈ FSLમાં મોકલી આગળની તપાસ હાથ ધરતા ગેરકાયદે કેમિકલ,ઇંધણનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જ્વલનશીલ પ્રવાહી ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું

વર્તમાન સમયમાં પેટ્રોલ,ડીઝલની થયેલ અછતને લઈ જે કોઈ તત્વો સંગ્રહખોરી કરે તેમજ આ સ્થિતિમાં ભેળસેળ કરવાની પ્રવૃતિ કરતા હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની રાજકોટ વિભાગીય પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા અપાયેલ સૂચનાઓને લઇ સાયલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી રેન્જ IGની ટીમે બાતમીના આધારે ડોળિયા હાઈવે પર આવેલા આદિત્ય એગ્રો એનર્જી પંપના પરીસર માંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું હતું.રેન્જની ટીમે ટેન્કર માલીક પાસે મળી આવેલા પ્રવાહીના જથ્થાના બિલો માગતા તેણે અલગ અલગ શંકાસ્પદ બિલો રજૂ કરતા શંકા ગઈ હતી.આ સાથે તુરંત લીંબડી Dysp,સાયલા પોલીસને જાણ કરવા સાથે મળી આવેલ શંકાસ્પદ પ્રવાહીના જથ્થાના સેમ્પલ લઇ FSLમાં તપાસ અર્થે મોકલી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. 

ગેરકાયદે ચાલતા બાયો ડીઝલના વેપલાનો પર્દાફાશ

હાલ તો રેન્જની ટીમ દ્વારા ઝડપી લેવાયેલ ટેન્કરમાં ભરેલો 35864 લીટર જેટલો બાયો ડીઝલ જેવો લાગતો શંકાસ્પદ જથ્થો જેની કિંમત 2689800 રૂ.ના મામલે સાયલા પોલીસ ને તપાસ સોંપાઈ છે. ત્યારે આ જથ્થો શું ભેળસેળ માટે લવાયો હતો કે કેમ તેવા અનેક સવાલો ઉઠ્યા છે. થોડા સમય પહેલા જ સાયલા ચોટીલા નેશનલ હાઇવે પરથી લીંબડી ડીવાયએસપીની ટીમ દ્વારા એક પેટ્રોલ પંપ પર કરેલા દરોડામાં વગર મંજૂરી એ ગેરકાયદે ચાલતા બાયો ડીઝલના વેપલાનો પર્દાફાશ કરવા સાથે પંપ સીલ કરાયા બાદ રાજકોટ રેન્જ IGની ટીમે ઝડપેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપી લેતા કેમિકલ માફીયાઓ પોતપોતાની માયા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયા ના વાવડ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Vadodara: નકલી PI બની ડિજિટલ અરેસ્ટના નામે રૂ. 2.40 કરોડની ઠગાઈ કરનાર બ્રિજેશ પટેલ ઝડપાયો