સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખનીજ ચોરી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લાના થાનગઢ પંથકમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન અને ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જ ટીમ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ દરોડા દરમિયાન સરકારી ખરાબાની જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સરકારી ખરાબામાં ચાલતા મળી આવ્યા 18 ગેરકાયદે ખાડા

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેન્જની ટીમ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા જામવાળી ગામની સીમમાં આવેલા સરકારી ખરાબાના વિસ્તારમાં અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે કોલસા કાઢવા માટે બનાવેલા અંદાજે 18 જેટલા ખાડા (ખનન માટેના પિટ્સ) મળી આવ્યા હતા.

380 ટન કોલસો અને વાહનો સહિત રૂ. 78 લાખનો મુદ્દામાલ કબજે

આ રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી આવી હતી. તપાસમાં સ્થળ પરથી 380 ટન કોલસો, 1 ડમ્પર, 1 ટ્રેક્ટર, 1 કંપ્રેશન મશીન, 6 મોટરસાયકલ અને 18 ચરખીઓ સહિતનો કુલ અંદાજે રૂપિયા 78 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં કોલસો અને મશીનરી મળી આવવાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ખાણખનીજ વિભાગને સોંપાયો મુદ્દામાલ, કાયદેસરની કાર્યવાહી શરૂ

રાજકોટ રેન્જ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલો તમામ મુદ્દામાલ થાનગઢ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે. આ મા અંગે ખાણખનીજ વિભાગના અધિકારીઓને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે અને આગળની સઘન કાયદેસરની તપાસ તથા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સખત કાર્યવાહી સતત ચાલુ રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો