સાબરકાંઠાના તલોદ GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. તલોદ GIDCમાં સ્થિત ‘પુષ્પક ઇન્ડિયા’ નામની રબ્બર બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. રબ્બરનો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ તલોદ ઉપરાંત પ્રાંતિજ અને હિંમતનગર સહિત ત્રણ તાલુકાની ફાયર ફાઇટર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ
રબ્બર પ્રોડક્ટ્સની કંપની હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ધુમાડાના કારણે દૂર દૂર સુધી દ્રશ્યતા ઘટી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા. રાહતના સમાચાર એ છે કે આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર સામે આવ્યા નથી, જેનાથી તંત્ર અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ ભીષણ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
