તાપી જિલ્લામાંથી એક એવો વિવાદ સામે આવ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર રાજકીય નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાની મહુવા બેઠકના ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા તાપી જિલ્લાના વાલોડ ખાતે આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હારતોરા કરવાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પ્રતિમાની નજીક ચંપલ પહેરીને જતાં સોશિયલ મીડિયા પર યુવાનો અને સ્થાનિક લોકો દ્વારા તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા છે.
151મી જન્મજયંતિ સપ્તાહ દરમિયાન બની ઘટના
તમને જણાવી દઈએ કે હાલ રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓનાં આસ્થાના પ્રતીક અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ રચનાત્મક અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા એક મહત્વપૂર્ણ અને ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જ લોકપ્રતિનિધિ દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને મહાપુરુષોના સન્માન બાબતે બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.

