બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં ગત 8 જુલાઈના રોજ બનેલી ચકચારી ડબલ મર્ડરની ઘટનાનો થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે. ગણેશપુરા ગામની સીમમાં ગેમાભાઈ ઠાકોર અને નર્મદાબેન ઠાકોર નામના પ્રેમી યુગલની નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. થરાદ પોલીસે આ મામલે સઘન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરીને હત્યાનો ગુનો આચરનાર ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પ્રેમ સંબંધની અદાવતમાં ઘડ્યું હતું કાવતરું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ લોહિયાળ ખેલ પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ હતું. મૃતક નર્મદાબેનના ગેરકાયદેસર સંબંધોની ખીજ રાખીને તેના પતિએ અગાઉથી જ આ દંપતીને મોતના ઘાટ ઉતારવાનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. પૂર્વ આયોજિત પ્લાન મુજબ, આરોપી પતિએ પોતાના સાગરીતો પ્રેમજીભાઈ પટેલ અને મુકેશભાઈ કોળી સાથે મળીને પ્રેમી યુગલને એકાંતમાં આંતર્યા હતા. ત્યારબાદ કમનસીબ યુગલને મજબૂતીથી પકડી રાખીને તેમના ગળે રસ્સી બાંધી, ટૂંપો આપીને ઘટનાસ્થળે જ પતાવી દીધા હતા.

થરાદ પોલીસે નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા

આ જઘન્ય અપરાધ આચર્યા બાદ ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા, પરંતુ થરાદ પોલીસની જુદી-જુદી ટીમોએ બાતમીદારો સક્રિય કરીને ત્રણેયને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની સત્તાવાર ધરપકડ કરી છે અને ઘટનાસ્થળે ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રેમ સંબંધના કરુણ અંજામ સમાન આ ડબલ મર્ડરની ઘટનાથી સરહદી વાવ-થરાદ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આ મામલે કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો