બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં આવેલા અતિ મહત્વના આઇકોન રોડ પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો તેમજ અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્રણ-ત્રણ દિવસ સુધી રસ્તા પર પાણી તળાવની જેમ ભરાયેલા રહેતાં લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

મુખ્ય રોડ હોવા છતાં ઘોર બેદરકારી

નોંધનીય છે કે, આઇકોન રોડ એ થરાદ શહેરનો અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ રોડ થરાદ મામલતદાર કચેરી, એસડીએમ (SDM) કચેરી, થરાદ પોલીસ મથક તેમજ ડીવાયએસપી/એસપી કચેરી સહિતના અનેક મહત્વના સરકારી મથકોને જોડે છે. દરરોજ સેંકડો નાગરિકો અને અધિકારીઓ આ રસ્તા પરથી અવરજવર કરતા હોવા છતાં, તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી સામે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

2 પંપ મૂકી પંપિંગ કામગીરી શરૂ

સ્થાનિકો અને વાહનચાલકોની વધતી જતી મુશ્કેલીઓ અને વિરોધ બાદ આખરે થરાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા આઇકોન રોડ પર બે ઇલેક્ટ્રિક પંપ મૂકીને પાણી બહાર કાઢવાની (પંપિંગની) કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પાણીનો ઝડપથી નિકાલ કરી માર્ગને પૂર્વવત અને વાહનવ્યવહાર માટે સુગમ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો