ગુજરાતના છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની હદમાં વાઘની સતત સક્રિયતા હોવાની પુષ્ટિ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 17 મહિનાથી એક નર વાઘ આ બંને જિલ્લાના સરહદી અને જંગલ વિસ્તારોમાં મુક્તપણે આંટાફેરા મારી રહ્યો છે, જેને પગલે વન વિભાગની ટીમો સતત એલર્ટ મોડ પર છે.

120 કિલોમીટરના વિસ્તારમાં મુવમેન્ટ

વન વિભાગના અહેવાલ મુજબ દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટરના વિશાળ જંગલ વિસ્તારમાં આ નર વાઘની મુવમેન્ટ નોંધાઈ છે. ખાસ કરીને છોટાઉદેપુરના ઝોઝ, રતનમહાલ, કેવડી અને કુંડલ સહિતના વિસ્તારોમાં વાઘની હાજરી જોવા મળી છે. નોંધનીય છે કે, ગત 22 એપ્રિલ 2025ના રોજ છોટાઉદેપુરના રતનમહાલ વિસ્તારમાં આ વાઘ પ્રત્યક્ષ રીતે દેખાયો હતો. ત્યારથી જ વન તંત્ર તેના દરેક લોકેશન પર નજર રાખી રહ્યું છે.

ચોમાસા વચ્ચે કેમેરા ટ્રેપિંગથી મોનિટરિંગ

હાલમાં ચોમાસાની ઋતુ હોવાના કારણે ઘાટા જંગલોમાં વાઘનું મોનિટરિંગ કરવું અત્યંત કઠિન બની રહ્યું છે, તેમ છતાં વન વિભાગ દ્વારા કેમેરા ટ્રેપિંગ (Camera Trapping) ની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. વાઘની સક્રિયતાને ધ્યાને રાખીને છોટાઉદેપુર અને દાહોદના જંગલ નજીક આવેલા ગામડાઓના સ્થાનિક લોકોને રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં ન જવા તથા પૂરતી સાવચેતી અને સાવધાની રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો