સાબરકાંઠાના મિની કાશ્મીર તરીકે પ્રખ્યાત એવા પોળો ફોરેસ્ટમાં ફરી એકવાર કરુણાંતિકા સર્જાઈ છે. અહીં ફરવા આવેલા અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામના બે આશાસ્પદ યુવકોના નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. ગતરોજ નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું, જેની જાણ ન હોવાથી નાહવા પડેલા બંને યુવકો કાળનો કોળિયો બની ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પોળો ફોરેસ્ટ વિસ્તાર તેમજ યુવકોના વતનમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ઊંડા પાણીના વેણમાં ફસાયા
મૃતક યુવકોની ઓળખ યશકુમાર વાઘેલા(22 વર્ષ) અને સાહિલ મોરી(21 વર્ષ) તરીકે થઈ છે. બંને મિત્રો પોળો ફોરેસ્ટની સુંદરતા માણવા આવ્યા હતા અને તે દરમિયાન નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી અને ઊંડા પાણીના વેણમાં ફસાઈ જવાને કારણે બંને પોતાનો બચાવ કરી શક્યા ન હતા અને જોતજોતામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને ઈડર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
