ઉના તાલુકાના નાંદરખ ગામે વહેલી સવારે સિંહના હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે. ગામના 70 વર્ષીય ભુપતભાઈ ગોહિલ નામના વૃદ્ધ પોતાના ખેતરે આવેલા મકાનની બહાર સૂતા હતા, તે દરમિયાન શિકારની શોધમાં ત્યાં આવી પહોંચેલા સિંહે તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા ભુપતભાઈને તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક અસરથી ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાંચ દિવસ પહેલાં પણ યુવાન બન્યો હતો ભોગ
નાંદરખ ગામમાં સિંહના ત્રાસથી ગ્રામજનોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર પાંચ દિવસ પહેલા જ આ જ ગામમાં એક યુવાન ઉપર પણ સિંહે હુમલો કર્યો હતો. ઘટના અંગે પરિવારજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા જ વન વિભાગના કર્મચારીઓનો કાફલો પણ દર્દીના હાલચાલ જાણવા અને પરિસ્થિતિની સમીક્ષા કરવા સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો.
