ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ઉના તાલુકાના પસવાડા ગામના સરપંચ ભીમભાઈ વિસાભાઈ જાદવ પર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ઉનાથી પસવાડા ગામે જતા ગાંગડા રોડ પર બનવા પામ્યો હતો. અચાનક થયેલા આ હુમલાના કારણે સરપંચને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને રોષ ફેલાઈ ગયો છે.

108 દ્વારા ઉનાની ખાનગી હોસ્પિટલે ખસેડાયા

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સરપંચ ભીમભાઈ જાદવને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયત વધુ નાજુક જણાતા તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે.

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

સરપંચ પર થયેલા આઘાતજનક હુમલાના પગલે સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું. પોલીસે હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત સરપંચ અને પરિવારના નિવેદનો નોંધવાની તેમજ એફ.આઈ.આર. (FIR) દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો