રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તથા આસપાસના ગ્રામ્ય પંથકમાં કપાસનું વાવેતર કરતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ચોમાસાની શરૂઆતમાં આશરે 9,800 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ વીઘા દીઠ રૂ.20,000 સુધીનો બિયારણ, ખાતર અને મજૂરીનો મોંઘો ખર્ચ કરીને કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ વાવેતર બાદ મહિનો દિવસ વરસાદ ખેંચાતાં અને બાદમાં પડેલા અચાનક વરસાદથી તડકો, ભેજ અને ઝાકળ જેવા મિશ્ર વાતાવરણના કારણે પાકમાં ‘સુકારો’ તથા ફાલમાં ફૂગ આવી ગઈ છે. કપાસના પાન લાલ થઈને ખરી રહ્યા છે અને જીંડવા સમય પહેલાં પાકી જતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

તળ ઊંડા જતાં સૌની યોજના મારફતે પાણી આપવા માગ

ઉપલેટા ગ્રામ્ય પંથકમાં મુખ્યત્વે કપાસ, મગફળી અને સોયાબીનનું વાવેતર થતું હોય છે. વરસાદના લાંબા વિરામના કારણે વિસ્તારમાં બોર-કૂવાના તળ પણ ખૂબ ઊંડા ઉતરી ગયા છે, જેના કારણે સિંચાઈના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે 'સૌની યોજના' મારફતે કપાસ અને અન્ય પાકો માટે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તેમજ અગાઉ અમલમાં હતી તેવી જૂની પાક વીમા યોજના ફરીથી શરૂ કરીને ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવે.

તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની ચેતવણી

પાક ફેલ થઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે કે જો સરકાર તાત્કાલિક ધોરણે કૃષિ વિભાગ મારફતે સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય કે રાહત પેકેજ જાહેર કરશે, તો જ ખેડૂતો આવનારા શિયાળુ પાક માટે નવું મૂડીરોકાણ કરી શકશે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી પણ આપી છે કે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખેડૂતો અને નવી પેઢી ખેતીથી વિમુખ થઈ જશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો