વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવીને પ્રદૂષણ ફેલાવવાના મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકોની ઉગ્ર રજૂઆતો બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને પોઇચા (રા) ગામે આવેલી સુદીપ ન્યુટ્રિશિયન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કસૂરવાર ઠેરવી તાત્કાલિક ધોરણે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. સાવલી તાલુકામાં સેંકડો ઔદ્યોગિક એકમો આવેલા છે, જે સ્થાનિક યુવાનોને રોજગાર પૂરો પાડી રહ્યા છે. જોકે આ એકમો પોતાના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન નીકળતા ઝેરી કેમિકલ અને વેસ્ટ મહી નદીમાં છોડીને જળસ્ત્રોતને દૂષિત કરતા જોવા મળી રહ્યા છે. 

નદીનું શુદ્ધ પાણી અત્યંત ઝેરી અને ગંદુ બની ગયું

સમગ્ર પંથકના ગ્રામજનો મહીસાગર નદીને અત્યંત પવિત્ર ગણીને માતા તરીકે પૂજે છે અને તેની સાથે લોકોની ઊંડી ધાર્મિક આસ્થા જોડાયેલી છે.આ ઉપરાંત મહી નદીનું પાણી ફિલ્ટર કરીને વડોદરા શહેર સહિત આસપાસના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને પીવા માટે નિયમિત પૂરું પાડવામાં આવે છે.તેમ છતાં વિવિધ કેમિકલ કંપનીઓ કોઈપણ જાતના ભય કે નિયમોની પરવા કર્યા વિના બેરોકટોક કેમિકલયુક્ત ઝેરી પાણી અને કચરો નદીમાં ઠાલવી રહી છે, જેના કારણે જીવનદાત્રી ગણાતી નદીનું શુદ્ધ પાણી અત્યંત ઝેરી અને ગંદુ બની ગયું છે. કેમિકલ વેસ્ટ અને દૂષિત પાણી નદીમાં ભળવાના પગલે સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે. આ પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોને ચામડીના ગંભીર રોગો, એલર્જી, અલ્સર, દમ તેમજ કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ રહી છે. 

સમગ્ર તાલુકાભરમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે

પ્રજાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ગંભીર ચેડાંને લઈને સમગ્ર તાલુકાભરમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે અને મહી નદીને દૂષિત કરનાર આવા તત્વો સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે. નાગરિકોની આ ઉગ્ર રજૂઆતના પગલે પોઇચા (રા) ગામે આવેલી સુદીપ ન્યુટ્રિશિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દોષિત ઠેરવવામાં આવી છે. જીપીસીબી દ્વારા આ એકમને ક્લોઝર નોટિસ ફટકારીને બેફામ કામગીરી કરતા ઔદ્યોગિક તત્વો સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે. બીજી તરફ તાલુકાજનોએ એકસૂરે માંગ કરી છે કે આવા તમામ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી પ્રજાનું આરોગ્ય અને નદી બંને સુરક્ષિત રહે.