વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ઝાંઝડ ફીડર હેઠળ આવતા 55 અસરગ્રસ્ત ખેડૂતો પોતાની તૈયાર અરજીઓ લઈને વીજ કચેરીએ પહોંચ્યા હતા.ખેડૂતો સ્કાય યોજનામાંથી બહાર નીકળવા માટે વન ટાઈમ એક્ઝિટ ઓપ્શન હેઠળ અરજી આપવા ગયા હતા. શિનોર એમજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરે ખેડૂતોની અરજીઓ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.વીજ કંપનીના અધિકારીએ કંપનીના નિયત ફોર્મમાં જ અરજી કરવાનો આગ્રહ રાખ્યો હતો.અધિકારીએ ખેડૂતોની તૈયાર અરજીઓ સ્વીકારવાનો લેખિત ઇનકાર કરી દીધો હતો.
હક માટે વીજ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે
ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીના ફોર્મમાં જોડાણ નવા વીજ ટેરિફમાં તબદીલ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.આ જોગવાઈ ખેડૂતો માટે નુકસાનકારક હોવાથી તેઓ તેનો સખત વિરોધ કરી રહ્યા છે.આ સમગ્ર વિવાદ પાછળ ખેડૂતોનો લાંબો સંઘર્ષ રહેલો છે.સ્કાય યોજના સામે ખેડૂતો છેલ્લા સાત વર્ષથી સતત લડત ચલાવી રહ્યા છે.આ મામલે હાઈકોર્ટમાં પણ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.અદાલતી પ્રક્રિયા બાદ ઊર્જા વિભાગ દ્વારા તા.30 ઓક્ટોબર 2026ના રોજ વન ટાઈમ એક્ઝિટ અંગે સ્પષ્ટ આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો.સરકારનો આદેશ હોવા છતાં સ્થાનિક કક્ષાએ વીજ કંપની ખેડૂતોની અરજીઓ કેમ સ્વીકારતી નથી તેવો મોટો સવાલ ઊભો થયો છે.હાઈકોર્ટની કાર્યવાહી અને સત્તાવાર આદેશ છતાં ખેડૂતોને પોતાના હક માટે વીજ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
