વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે.પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વડોદરાના રહીશ અનિલભાઈ ખેમરાજભાઈ જાબક જ્યારે ભરૂચ તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ નજીક તેમની તબિયત અચાનક લથડી હતી.
પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક ધોરણે રોકાવી દીધી
મુસાફરની છાતીમાં અચાનક ભારે દુખાવો થતાં જ ટ્રેનમાં સવાર અન્ય મુસાફરો અને રેલવે સ્ટાફ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે કન્ટ્રોલ રૂમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વડોદરા કન્ટ્રોલ દ્વારા ત્વરિત સંદેશા વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેના પગલે કરજણ તાલુકાના લાકોદરા ગામે સ્ટેશન માસ્ટરે ઈમરજન્સીના કારણે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક ધોરણે રોકાવી દીધી હતી. ટ્રેન લાકોદરા ગામે ઊભી રહેતાં જ અગાઉથી જાણ કરાયેલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
