વડોદરાના સાવલી તાલુકાના મેવલી ગામ નજીકથી પસાર થતી પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાણીની લાઈનમાં ગંભીર લીકેજ સર્જાવાની ઘટના સામે આવી છે. પાઈપલાઈનમાંથી સતત પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા અને ખાડા-ખમાડામાં બરબાદ થઈ રહ્યું છે. તંત્રની બેદરકારીના કારણે આ સમસ્યા વિકરાળ બનતી જઈ રહી છે.

એક તરફ પાણીની અછત, બીજી તરફ બેફામ બગાડ

આજે જ્યારે તાલુકાના અનેક આંતરિયાળ ગામો અને વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવા પડી રહ્યા છે અને પાણીની ભારે અછત વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની ઉદાસીનતાના કારણે હજારો લીટર પાણી નકામી જગ્યાઓમાં વહીને વેડફાઈ રહ્યું છે. પાણીની આ અણમોલ સંપત્તિનો આ પ્રકારે બગાડ થવાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Vadodara News: Water Pipeline Leakage Near Savli’s Mevali Village Wastes Thousands of Litres

પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો

આ સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગની કામગીરી અને પ્રત્યેની ગંભીરતા સામે અનેક સવાલો ઉભા થયા છે. લાઈન લીકેજ હોવાની માહિતી હોવા છતાં કે સમયસર નિરીક્ષણ ન થવાને કારણે પાણીનો આડેધડ બગાડ થઈ રહ્યો છે. સ્થાનિક સ્તરે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે વિભાગીય વહીવટની પોલ ખુલી ગઈ છે.

તાત્કાલિક રિપેરિંગની ઉગ્ર માગ

મેવલી ગામના સ્થાનિક રહીશો અને ખેડૂતો દ્વારા પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક ધોરણે આ લીકેજ રિપેર કરવા માટે ઉગ્ર માગ કરવામાં આવી છે. જો વહેલી તકે આ લાઈનનું સમારકામ કરવામાં નહીં આવે તો પાણીનો બગાડ અટકાવવા માટે ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કે રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Ahmedabad News: ગુજરાતના એકમાત્ર વાઘને મળશે બે જીવનસાથી, બે વાઘણનું આગમન થશે