વડોદરા શહેરમાંથી એક તરફ સંબંધોને લજ્જિત કરે તેવો તો બીજી તરફ પુત્રવધૂની ફરજને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે.ચાર-ચાર દીકરા હોવા છતાં 80 વર્ષીય પથારીવશ વૃદ્ધ માતા નોંધારા બન્યા હતા.ત્યારે તેમની એકમાત્ર પુત્રવધૂ છેલ્લા ચાર વર્ષથી એકલા હાથે તેમની સેવા કરી રહી હતી.આખરે સહનશીલતાની હદ વટાવી જતાં પુત્રવધૂએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.જેના પગલે અભયમ ટીમે તાત્કાલિક દોડી જઈને માત્ર સમાધાન જ નહીં પરંતુ એક પરિવારને તૂટતો બચાવ્યો હતો.
અભયમ ટીમના કંટ્રોલ રૂમમાં એક ભાવુક કોલ આવ્યો
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના એક વિસ્તારમાંથી 181 અભયમ ટીમના કંટ્રોલ રૂમમાં એક ભાવુક કોલ આવ્યો હતો.ફોન કરનાર મહિલાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં 80 વર્ષીય સાસુ પથારીવશ છે અને તેમના ચાર દીકરા હોવા છતાં કોઈ તેમની જવાબદારી લેવા તૈયાર નથી.જેથી કોલની સંવેદનશીલતા અને ગંભીરતા સમજીને અભયમની રેસ્ક્યુ અને કાઉન્સેલિંગ ટીમ તાત્કાલિક આપેલા સરનામે પહોંચી હતી.ઘટનાસ્થળે હાજર પુત્રવધૂએ જે વ્યથા ઠાલવી તે સાંભળીને ટીમ પણ હચમચી ગઈ હતી.પુત્રવધૂએ જણાવ્યું હતું કે મારા સાસુની ઉંમર ૮૦ વર્ષ છે અને તેઓ છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણ પથારીવશ છે.ઉઠવા-બેસવા, જમવા-પીવા અને તમામ ક્રિયાઓ માટે તેઓ બીજા પર નિર્ભર છે. છેલ્લા ચાર વર્ષથી અમે જ અમારા ઘરે રાખીને તેમની સેવા કરીએ છીએ.
કોઈ પણ ભાઈ પોતાની જવાબદારીથી પાછો નહીં હટે
મારા સાસુને કુલ ચાર દીકરા છે, પરંતુ ત્રણ દીકરાઓ સ્પષ્ટપણે તેમની સેવા કરવાની ના પાડી દે છે.આ બાબતે હું જ્યારે મારા પતિને સમજાવવા જાઉં છું ત્યારે તેઓ મને જ મારપીટ કરે છે.અમારી પોતાની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ નબળી છે, અમે બંને મજૂરી કરીને માંડ ઘરનું ગુજરાન ચલાવીએ છીએ.મારી એક જ વિનંતી છે કે જો સાસુના બીજા ત્રણ દીકરાઓ થોડા-થોડા દિવસ માતાને પોતાની પાસે રાખે તો અમને થોડો આશરો મળે અને બા ને પણ બધા દીકરાનો પ્રેમ મળે.અભયમ ટીમની સતત એક કલાકની સમજાવટ અને કાયદાકીય કાર્યવાહીની ચીમકીની અસર થઈ હતી.ચારેય દીકરાઓને પોતાની ભૂલ સમજાઈ હતી.તેઓએ પોતાના વર્તન બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો.આખરે ચારેય ભાઈઓ વચ્ચે એવું નક્કી કરવામાં આવ્યું કે, વૃદ્ધ માતાને વારાફરતી દરેક દીકરાના ઘરે રાખવામાં આવશે અને તમામ ખર્ચ અને સેવા ચારેય ભાઈઓ સાથે મળીને કરશે.કોઈ પણ ભાઈ પોતાની જવાબદારીથી પાછો નહીં હટે.
અભયમ ટીમે પુત્રોને કાયદાનો પાઠ ભણાવ્યો
સ્થળ પર તપાસ કરતા અભયમ ટીમને માતાના બીજા બે દીકરાઓ પણ હાજર મળ્યા હતા.ટીમે બંને દીકરાઓ અને ફોન દ્વારા અન્ય બે દીકરાઓનો સંપર્ક કરી તમામને એક જગ્યાએ ભેગા કર્યા હતા.અભયમની મહિલા કાઉન્સેલરે તમામ દીકરાઓને પ્રેમથી અને કડક શબ્દોમાં કાયદાકીય જોગવાઈઓ સમજાવી હતી.તેમને સમજાવવામાં આવ્યું હતું કે,ભારતીય સંસ્કૃતિ મુજબ તો માતાની સેવા એ સંતાનોની સૌથી મોટી ફરજ છે,પરંતુ કાયદાની દ્રષ્ટિએ પણ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ દરેક સંતાનની કાયદેસર ફરજ છે કે તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાનું ભરણપોષણ કરે,તેમની સાર-સંભાળ રાખે.જો કોઈ સંતાન આ ફરજમાંથી છટકવાનો પ્રયાસ કરશે તો માતા વતી ફરિયાદ થઈ શકે છે અને ૩ મહિના સુધીની જેલ અને દંડની જોગવાઈ પણ છે.
આ પણ વાંચોઃ Bharuch: આમોદમાં કાર્યક્રમ દરમિયાન તલાટીની તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા; એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા