વલસાડ નગર પાલિકાની મળેલી સામાન્ય સભા શરૂઆતથી જ ભારે હંગામા અને વિવાદોના કારણે ચર્ચામાં રહી હતી. ગત 23 તારીખના રોજ વલસાડ શહેરમાં આવેલા પૂરની સ્થિતિ અને ત્યારબાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સભાની શરૂઆત થતાં જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકા દ્વારા રેસ્ક્યુ તેમજ રાહત કામગીરી સમયસર ન કરવાના મુદ્દે માહોલ ગરમાયો હતો.

નગરસેવકોએ પૂરના સમયે પાલિકાની નિષ્ક્રિયતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

શહેરના વોર્ડ નંબર 1, 2 અને 4 ના નગરસેવકોએ પૂરના સમયે પાલિકાની નિષ્ક્રિયતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સભ્યોનું આક્ષેપ હતો કે પૂરના કપરા સમયમાં નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા છતાં નગર પાલિકા દ્વારા કોઈ જ યોગ્ય રેસ્ક્યુ ઓપરેશન કે મદદ પહોંચાડવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારીના કારણે સ્થાનિક જનતામાં પણ ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે, જેનો પડઘો સામાન્ય સભાની બેઠકમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

પ્રમુખ અને જવાબદાર અધિકારીઓ સામે આકરા સવાલો 

સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ અને જવાબદાર અધિકારીઓ સામે આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને તીખી બોલાચાલી પણ થઈ હતી. આટલા ગંભીર અને સંવેદનશીલ મુદ્દે સભ્યો દ્વારા ખુલાસા માંગવામાં આવ્યા હોવા છતાં, પાલિકા પ્રમુખ દ્વારા આ સમગ્ર મામલે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં ન આવી અને તેઓ સંપૂર્ણપણે મૌન રહ્યા હતા. પ્રમુખનું આ મૌન સભ્યોના રોષને વધુ ભડકાવનારું સાબિત થયું હતું, જેના કારણે આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. 


આ પણ વાંચો   :    Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?