વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કિનારે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં બોટ અચાનક પલટી મારી જતાં 7 લોકો ડૂબ્યા હતા. આ હૃદયકંપાવનારી ઘટનાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્થાનિક લોકો અને માછીમારો પોતાના જીવના જોખમે ડૂબી રહેલા લોકોને બચાવતા નજરે પડે છે. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને કિનારે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
માછીમારોની સમયસૂચકતાથી 6 લોકોનો આબાદ બચાવ
બોટ પલટતાં જ આસપાસના સ્થાનિક માછીમારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા અને સાહસ બતાવીને ડૂબી રહેલા સાત પૈકી 6 લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. માછીમારો દ્વારા હાથ ધરવામાં આવેલી આ બચાવ કામગીરીના વાયરલ વિડીયોમાં તેમની બહાદુરીના દર્શન થાય છે, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી શકી છે. બચાવાયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
