વલસાડના વાપીમાંથી જૂની અદાવતમાં એક યુવક પર ઘાતકી અને જીવલેણ હુમલો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા વાપીમાં બે જૂથો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં એક યુવકે બીજા પક્ષના યુવકને થપ્પડ મારી દીધી હતી. આ સામાન્ય થપ્પડનો બદલો લેવાના આંધળા આક્રોશમાં હુમલાખોરોએ યુવકને રસ્તામાં એકલો આંતર્યો હતો. તેઓ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર તૂટી પડ્યા હતા અને તેના પેટ તેમજ છાતીના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંકી તેને સ્થળ પર જ લોહીલુહાણ કરી નાખ્યો હતો.


હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

જાહેરમાં બનેલી આ હિંસક અને કંપારી છૂટી જાય તેવી સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે આરોપીઓ ક્રૂરતાપૂર્વક યુવક પર ઘાતક પ્રહાર કરી રહ્યા છે. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલો યુવક જમીન પર ઢળી પડ્યો હતો અને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતા ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અને વધુ સારી સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત હાલ ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.

ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

આ ચકચારી બનાવની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે કુલ ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. વાપી ટાઉન પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ગુનામાં સામેલ તમામ ફરાર આરોપીઓની ટૂંક સમયમાં જ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: