વલસાડ જિલ્લાના વાપીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે સપાટો બોલાવતા ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી છે. વાપીના ગીતાનગર વિસ્તારમાં વિજિલન્સની ટીમે દરોડો પાડીને એક ચાલીના ત્રણ રૂમમાં મોટા પાયે ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા 18 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. અચાનક પડેલી રેડને કારણે જુગારધામમાં હાજર શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ વિજિલન્સની ટીમે ઘેરાબંધી કરીને તમામ 18 લોકોને દબોચી લીધા હતા.

8 વાહનો અને 20 મોબાઈલ સહિત રૂ.5.11 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસની આ કાર્યવાહીમાં સ્થળ પરથી રોકડ રકમ ઉપરાંત 8 વાહનો અને 20 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે. રોકડ રકમ, વાહનો અને મોબાઈલ સહિતનો કુલ મુદ્દામાલ અંદાજે 5.11 લાખ રૂપિયાનો હોવાનું સામે આવ્યું છે. વિજિલન્સની ટીમ દ્વારા તમામ મુદ્દામાલની ખરાઈ અને જપ્તીની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ પકડાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

24 કલાકમાં દારૂ-જુગારની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા 24 કલાકની અંદર જ અલગ-અલગ જગ્યા પર દારૂ તથા જુગારના કેસોની સતત કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સ્તરની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં થયેલી આ કાર્યવાહીને પગલે વલસાડ LCB અને વાપી ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠેલા આ સવાલો વચ્ચે ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાની બાબત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો